Home > Work > નોર્થ પોલ [North Pole]

નોર્થ પોલ [North Pole] QUOTES

2 " અરે રિયલ લાઇફની ઐસી કી તેસી, ભે**દ. જે અંદર ખળભળી રહ્યું છે એ રિયલ છે, જે સૂવા નથી દેતું એ રિયલ છે, જે તમને ગાંડા કહેડાવે છે એ રિયલ છે અને જે તારી અંદર ચૂપ છે અને મારી અંદર જીવી રહ્યું છે એ રિયલ છે, બાકી તો આ બહારની રિયલ લાઇફ. પેલી દૂર... કિનારા પર દેખાતી ધરતી પરનો ટાઇમ પાસ છે ટાઇમ પાસ, ગોપાલ પટેલ. તું નહીં સમજે. તું એક કામ કર... ધીમેધીમે અજવાળું થઈ રહ્યું છે અને સૂરજ દરિયા બહાર આવી રહ્યો છે, તો તું અહીંયા મારી બાજુમાં આવ અને ચૂપચાપ મારી પાછળ ઊભો રહીને મને પકડી રાખ, કારણ કે હું આ હોડીની ધાર પર ઊભી રહીને સૂરજ સામે ટાઇટનિક પૉઝ આપી રહી છું અને અત્યારે તું મારો જેક છે, ગાંડા... "

Jitesh Donga , નોર્થ પોલ [North Pole]

5 " ક્યારેક એમ થાય કે એક સાંજે નોકરી પરથી છૂટીને સીધો કોઈ સાયબર કાફેમાં જાઉં. મારા દરેક સગા, નજીકના દોસ્ત અને પરિવારને મેઇલ કરી દઉં કે ‘હું ક્યાંક દૂર દૂર ચાલ્યો જાઉં છું. ખબર નથી ક્યારે અને કેમ હું પાછો આવીશ. કદાચ ન પણ આવું. કોઈ રડતું નહીં મારી પાછળ. કોઈ રાહ ન જોતું. કોઈ દુનિયાદારી શિખવવાની કોશિશ ન કરતું. હું જાઉં છું સાજો થવા માટે.’ બસ પછી એ ઇમેઇલ એકાઉન્ટ ડિલિટ કરીને, મારા સિમ કાર્ડને તોડીને, મારા ફોનને કચરામાં ફેંકીને, મારા સામાનને રૂમ પર જ મૂકી રાખીને નીકળી જાઉં. આ જિંદગીના એવાં દરેક લેબલ ઉખાડી નાખું જે મને ક્યારેક બાપ, ક્યારેક બેટો, ક્યારેક મેનેજર, ક્યારેક ટીમ લીડર અને ક્યારેક સામાન્ય નોકરી કરતો એન્જિનિયર કહીને મારી લાઇફની કિંમત કરી નાખતા હતા. એવા દરેક સપનાને ફેંકી દઉં જે મને અજાણતા જ કોઈ ભૂંડ કે ઘેટાની જેમ ટોળામાં ધક્કો મારીને આગળ જવા મજબૂર કરી રહ્યા હતા. અને પછી... કોઈ એવી જગ્યાએ ચાલ્યો જાઉં જ્યાં મારે મન ન હોય તો આ કપડાં પણ પહેરવાં ન પડે. કોઈ નાગાબાવાની જેમ પડ્યો રહું. ગમે તે ખાઈ લઉં, ગમે તે ઓઢી લઉં. રખડ્યા કરું. આ દુનિયા તરફ ભે**દ મારી મિડલ ફિંગર બતાવી દઉં. બસ એમ જ મરી જાઉં. આ માયાજાળને મૂકીને કોઈ સંત-ફકીર બની જાઉં. એવી અવસ્થામાં ચાલ્યો જાઉં કે જેમાં મારી પાસે કશું નથી અને હું ખુદ કશું જ નથી. મારું નામ પણ નહીં. માત્ર નાગું શરીર એ જ મારી ઓળખ. મારી અંદરની સાચી જિંદગીને હું જીવું. હૃદયની એકએક લાગણીને પારખીને કોઈ સંતની જેમ જીવું. કશી ભૂખ નહીં. નહીં જમાના મુજબ અપડેટ થવાની ચિંતા, નહીં જ્ઞાનની ભૂખ, નહીં દુનિયાને સમજવાની ઇચ્છા કે નહીં બોગસ, ફેઇક સપનાંઓ જોવાની ખેવના. એવી સ્થિતિ કે સાલો કોઈ માણસ પણ મારી સામે ન જુએ. એટલી હદે નાગો માણસ... "

Jitesh Donga , નોર્થ પોલ [North Pole]

6 " જોબ બીજું કંઈ નહીં પણ આજના સમયની આધુનિક ગુલામી છે. પહેલાંના લોકોની જૂની ગુલામીથી થોડી બહેતર, પણ દિવસે ને દિવસે આપણી લાઇફને અને ટાઇમને મારનારી ગુલામી. તમને તમારી ઓકાતથી ઓછો પગાર આપવામાં આવે છે. એટલો પગાર કે જેમાંથી તમે જૂના ગુલામોની જેમ માત્ર મહિનો કાઢી શકો. આ સફેદ દીવાલોની વચ્ચે, મોટા બિલ્ડિંગમાં શણગારેલી એવી નિર્જીવ જગ્યા છે કે જ્યાં તમે આપેલું કામ યોગ્ય રીતે કરી ના શકો તો તમને શબ્દોના ચાબુક પડે છે. તમારા શરીરને સ્પર્શ્યા વિના શબ્દોથી અને ઇમેઇલથી ઇજ્જતનાં કપડાં ઊતરે છે. અરે ઘણી લેડીઝને તો હકીકતમાં કપડાં ઉતારવા મજબુર કરીને પ્રમોશનના નામે અબ્યુઝ કરાય છે.
દુઃખની વાત એ છે કે આ બધું રણમાં દેખાતા પાણી જેવો ભ્રમ છે! તમને લાગે છે કે તમારા જોબ ફ્રેન્ડસ તમારા સાચા ફ્રેન્ડસ છે, પણ એ બધા નકલી નકાબ પહેરેલા તમારા ગળાકાપ સ્પર્ધકો છે. મૂર્ખા ગુલામો પોતાના સાચા દોસ્તોને પણ જોબની પાછળ ભૂલી જાય છે. જે રીતે હું વિજયને ભૂલી ગયો છું. તમે જોબ ચાલુ કર્યા પછી રિયલ ફ્રેન્ડસ બનાવવાનું પણ ભૂલી જાઓ છો.
અને ખબર છે અનુરાગ... અહીં એક છૂપી લક્ષ્મણરેખા છે કે તમે તમારા માલિકથી વધુ કમાવાનું વિચારો પણ નહીં. ભલે તમારો બોસ, કે માલિક મૂરખનો સરદાર હોય, ‘એની જિંદગી ફ્લોપ છે’ એ તમને દેખાતું હોય, પણ તમારે સ્વીકારવું પડે છે કે તમે એવા માણસોની દયાથી અહીં કામ કરી રહ્યા છો જેમની પાસે પાવર છે. તમે તમારા જીવનમાં ભલે કંઈ પણ સફળતા મેળવી હોય, કંપનીના મોટા પ્રોજેક્ટ કર્યા હોય, એ લોકો હંમેશાં તમારા ઉપર ભરોસો મીકશે નહીં. એક દિવસ તમે સ્વીકારી લો છો કે તમારે રોજના દસ-બાર કલાક એવી જગ્યાએ જવાનું છે જ્યાં તમને જીવવું ગમતું નથી, જ્યાં જવું તમને ગમતું નથી, જ્યાં તમે તમારા સમયને મારી નાખી રહ્યા છો, જ્યાં તમે તમારા દિવસના સૌથી ક્રિએટિવ-જાગૃત સમયને કોઈ બીજા માણસના ખિસ્સાં ભરવા ખર્ચી રહ્યા છો, જ્યાં રહેલી તમારી આસપાસની કાચની દીવાલો તોડવાનો અધિકાર તમને નથી, જ્યાં તમને દર મહિનાને અંતે હાથમાં સેલરી ચેક લેતા અનુભૂતિ થાય છે કે આ ચેક આપીને કંપનીએ મારી જિંદગીનો એટલો ટુકડો ખરીદી લીધો છે, મને ગુલામની જેમ વાપરી લીધો છે.
આ એવી આધુનિક જેલ છે જ્યાં તમને શંકા જાય કે બાજુની ઓફિસમાં કોઈ બે વ્યક્તિ તમારી વિશે વાતો કરી રહ્યું છે, ત્યારે તમે લગભગ સાચા જ હો છો. આ જેલમાં દરેક કેદી એકબીજાની પીઠ પર છૂરો ભોંકવા બેઠો છે. આ જેલમાં તમને ખબર પડે છે કે ‘કોઈ મસ્ત ફાડુ જોબ કરીશ’ એવું વિચારીને કોલેજની ડિગ્રી પાછળ ખર્ચેલા લાખો રૂપિયા તમને વ્યર્થ હતા. તમે કોઈ મોટા કૌભાંડમાં ફસાયા હોય એવું લાગે છે અને તમારી આવનારી પેઢીને તમે આ કૌભાંડમાં ફસાતા બચાવી પણ નથી શકતા, કારણ કે તમારી પાસે જ કોઈ રસ્તો નથી હોતો. એક આંધળો બીજાને અંધ બનાવે છે. "

Jitesh Donga , નોર્થ પોલ [North Pole]